Thursday, 29 November 2012

શા કારણે થોડા ફળોમાં બીજ અને અન્ય ફળોમાં ઠળીયા હોય છે?

આપણે બધા જાણીએ છીએ કે ફળો અને શાકભાજીમાં રહેલા બીજ એ નાના છોડ જેવા છે જે ઉગવાની રાહ જોઈને બેઠા છે પરંતુ તમે તે પણ નોંઘ્યું હશે કે થોડા ફળોમાં એક કરતાં વધુ નાના બીજ હોય છે જ્યારે અન્ય ફળોમાં એકજ મોટું બીજ (ઠળીયો) હોય છે.


બંને પ્રકારના બીજના પોત પોતાના ફાયદા હોય છે. બીજનો મુખ્ય હેતુ પોતાની જાતને જમીનમાં રોપવી જેથી તેમાથી નવા છોડનો વિકાસ થાય. દરેક બીજને જમીનમાં રોપાવા માટેની જરૂરીયાત અલગ અલગ હોય છે અને આ જરૂરીયાતો સંતોષવા દરેક પ્રકારના ફળમાં અલગ અલગ પ્રકારના બીજ હોય છે. જેથી તે જમીનમાં સફળતા પૂર્વક ઉગી શકે.

જંગલમાં ઉગેલા ફળોથી ઢંકાયેલા છોડ કે વૃક્ષ અને ખોરાક શોધતા જંગલી પ્રણીઓ વિશે વિચારો. સૌ પ્રથમ છોડ કે વૃક્ષ પોતાના રસદાર અને મીઠા ફળોથી પ્રાણીઓને આકર્ષે છે. દા.ત. લાલ જલદારુ. પ્રાણીઓ આ ફળનો માંસલ ભાગ ખાય જશે અને મોટો ઠળીયો થૂંકી નાખશે જેથી ઠળીયો ગળામાં ફસાય ન જાય. બહાર થૂંકાયેલ ઠળીયો જમીન પર પડે છે. જે તેના માટે ઉગી નીકળવાની આદર્શ સ્થિતિ છે.

બીજી રીતે વિચારતા, એક કરતાં વધુ નાના બીજ ધરાવતા ફળો જ્યારે પ્રાણીઓ ખાય છે ત્યાર મોટા ભાગના બીજ તે માંસલ ફળ સાથે ખાય જાય છે. આનો મતલબ એ થયો કે ફળોના બીજ થોડા સમય બાદ (તમે બરાબર વિચાયુઁ) તેના મળ સાથે શરીરની બહાર ફેંકાઈ જમીન ૫ર જશે. પ્રાણીઓનું મળ આ બીજ માટે ઉત્તમ ખાતર તરીકે વર્તશે અને બીજને ઉગવામાં મદદ કરશે.

આ ઉપરાંત બીજ નાના હોવાથી જંગલમાં પાણી અને હવાના માધ્યમથી દૂર દૂર સુધી ફેલાય શકે છે અને પોતાની પ્રજાતિનો વિકાસ જંગલના દરેક ભાગમાં કરી શકે.

Saturday, 24 November 2012

પુરૂષોના શરીરમાં નિપલ (સ્તનની ડીંટીઓ) શા કારણે હોય છે?

તમે ક્યારેય નોંધ્યું છે કે તરૂણ છોકરા અને છોકરીઓના શરીર દેખાવમાં લગભગ સમાન હોય છે? તેઓના શરીરમાં ઘણી બાબતો સમાન હોય છે. દા.ત. બે હાથ, બે પગ, એક માથું, બે નિપલ (સ્તનની ડીંટીઓ) વગેરે.



પરંતુ જ્યારે તરૂણો જુવાન થાય છે ત્યારે તેમના શરીર જુદી જુદી રીતે વિકાસ પામવા લાગે છે. આ વિકાસ દરમ્યાન સ્ત્રીઓમાં છાતીના ભાગમાં નિપલની નીચે સ્તનનો વિકાસ થાય છે. જ્યારે પુરૂષોમાં આવો કોઈ વિકાસ જોવા મળતો નથી. દરેક સ્તનધારી જાતિના સ્ત્રી પ્રાણીમાં સ્તન ખૂબ મહત્વનું અંગ છે કારણ કે જ્યારે સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે બાળકને સ્તન દ્વારા પોષણ મળે છે અને મળતું આ પોષણ એટલી શક્તિ ધરાવે છે કે માનવ બાળકને છ માસ સુધી બહારના ખોરાકની કોઈ જરૂર રહેતી નથી. માનવ જાતિના વિકાસ દરમ્યાન બાળકોનો ઉછેર આ રીતે જ થયો છે.

તો પ્રશ્ન એ છે કે પુરૂષોમાં નિંપલ શા માટે હોય છે? જ્યારે તેના શરીરમાં સ્તનની રચના નથી કે નથી તે બાળકોને પોષવાના? તો આ પ્રશ્નનો જવાબ છે કે પુરૂષોને નિપલમાંથી છુટકારો મેળવવાનું કોઈ યોગ્ય કારણ નથી.

આપણે બધાને ખબર હશે કે સ્ત્રી અને પુરૂષના શરીર સમાન અંડબીજ તથા શુક્રકોષ અને સમાન જનીનની જોડનો ઉપયોગ કરીને જ વિકાસ પામતા હોય છે જે તેમને તેના માતા-પિતા તરફથી મળે છે અને બાળકના ગર્ભની રચના(વિકાસ) દરમ્યાન સમાન પેશીઓ અને અંગો ધરાવતું હોય છે. ગર્ભવિકાસના મહત્વના તબ્બકે બાળક સ્ત્રી અથવા પુરૂષ અંગોનો વિકાસ કરે છે.

ઉત્ક્રાંતિના કોઈ મહત્વના તબ્બકામાં દરેક જાતિ ઉપયોગી અંગોનો વિકાસ કરે છે અને બિનઉપયોગી/નડતરરૂપ અંગોનો વિકાસ અટકાવે છે. આ પ્રક્રિયા થતા ઘણા વર્ષોનો સમય લાગે છે.  દા.ત. માણસ જાતમાં અંગૂઠાનો વિકાસએ ઉપયોગી છે જ્યારે પુંછડી નડતરરૂપ હોવાથી તેનો વિકાસ અટકી ગયેલ છે. આજ રીતે સ્ત્રીઓમાં પોતાના બાળકોના જીવનના શરૂઆતના તબ્બકામાં જીવતા રાખવા અને પોષવા નિપલની નીચે સ્તનનો વિકાસ કર્યો પરંતુ પુરૂષોમાં નિપલની કોઈ ઉપયોગીતા નથી સાથો સાથ તે કોઈ નુકશાનકર્તા કે નડતરરૂપ પણ નથી જેથી માનવ જાતની ઉત્ક્રાંતિ દરમ્યાન પુરૂષો પાસે તેનાથી છુટકારો મેળવવાનું કોઈ યોગ્ય કારણ નથી.

Saturday, 17 November 2012

ફળ અને શાકભાજી વચ્ચેનો તફાવત શું છે?

તમને કોઈ ફળ અને શાકભાજીના નામ જણાવવાનું કહે તો તમે ફટાફટ થોડા નામ કહી આપશો. પરંતુ શું તમને બન્ને વચ્ચેના તફાવતનો ખ્યાલ છે?




આપણા રોજબરોજના જીવનમાં ફળ અને શાકભાજીને અલગ અલગ ઓળખવા માટે તેના સ્વાદ અને તે કઈ રીતે ખાવામાં આવે છે અથવા રાંધવામાં આવે છે તેના પર આધાર રાખે છે સામાન્ય રીતે જે વનસ્પતિ પર ઉગે, સ્વાદે મીઠા હોય અને રાંઘ્યા વગર ખાય શકાય તેને આપણે ફળ કહીએ છીએ. અને જે જમીનની અંદર અથવા જમીનની નજીક ઉગે, ક્યારેક કાચા અથવા મોટા ભાગે રાંધીને ખવાય તેને શાકભાજી કહેવામાં આવે છે.

વિજ્ઞાનીકો ફળ અને શાકભાજીને ઓળખવાની સંપૂર્ણ અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે.

વિજ્ઞાનની દ્રષ્ટિએ શાકભાજી એટલે વનસ્પતિનો કોઈ ભાગ જે ખાય શકાય. વનસ્પતિના મુખ્ય ત્રણ ભાગો - મૂળ, પ્રકાંડ અને પર્ણ. દા.ત. મૂળ - કોબીજ, પ્રકાંડ - બટેટા, શતાવરી અને પર્ણ - બીટ અને ગાજર.

જ્યારે ફળએ પણ વનસ્પતિનો જ  ભાગ છે. ૫રંતું તે ફૂલનો પાકવાના કારણે ફૂલમાંથી ઉત્પન્ન થયેલ હોય છે. એટલે કે ફૂલમાંથી ફળમાં રૂપાંતર થયેલ હોય છે. દા.ત. કેરી

આપણે ઘણા ખાધ્ય પદાર્થોને શાકભાજી કહીએ છીએ પરંતું વૈજ્ઞાનિક દ્રષ્ટિ એ તે ફળ હોય છે. દા.ત. ટમેટા.

Saturday, 10 November 2012

આંગળીઓના છેડા પર નખ શા કારણે હોય છે?

તમે આંગળીઓના છેડા ૫ર પટ્ટી (Band-aid) બાંઘી સામાન્ય કામ કરવાના પ્રયત્નો કર્યા છે? તમને જણાશે કે નખના ઉપયોગ વગર ઘણા સામાન્ય કાર્યો જેવા કે જમીન પરથી સિક્કો કે પેન્સિલ ઉપાડવી કેટલી મુશ્કેલ છે?




તમને થોડો ખ્યાલ આવી ગયો હશે કે આપણે હાથ અને પગની આંગળીઓમાં નખ શું કામ આપેલા હોય છે - નખની મદદથી આપણે આંગળીઓનો વઘુ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. નખ આપણી આંગળીઓની ફક્ત કાર્યક્ષમતા જ વઘારતા નથી ૫રંતુ તે આંગળીઓનું રક્ષણ પણ કરે છે.

તમારા એક હાથના નખથી બીજા હાથના નખને ઘીમેથી મારો. તમને કોઈ અનુભવ થશે નહી. જ્યારે શરીરના અન્ય ભાગમાં આ રીતે કરતાં તરત શરીર પ્રતિક્રિયા કરશે અને કદાચ તે અંગને બચાવવા તેને પાછળ પણ ખેચીં લેશે.

નખ અને વાળએ બન્ને સમાન પ્રોટીન(કેરેટીન) ના બનેલા હોય છે અને આપણા શરીરના આ બન્ને અંગ કોઈ પ્રકારની સંવેદના દર્શાવતા નથી.

તમે કદાચ નોંઘ કરી હશે કે હાથની આંગળીના નખ ખૂબ ઘીમે ઘીમે વઘે છે. તે ફક્ત દરરોજના ૦.૧ મીમી જેટલાજ વઘે છે. જ્યારે પગના નખ તો તેનાથી પણ ઘીમે વઘે છે.

Saturday, 3 November 2012

ડુંગળી કાપતા આંખમાં પાણી શા કારણે આવે છે?

તમારા માતા-પત્નિ-બહેન રસોઈ બનાવતા બનાવતા રોતા હોય તો ચિંતા કરતાં નહી કારણ કે ડુંગળી કાપતાં કાપતાં આંખ માંથી  નીકળતા પાણી અને દુ:ખના કારણે આંખમાંથી નીકળતા આંસુ એ તદ્દન અલગ બાબત છે.

જ્યારે ડુંગળી કાપીએ છીએ ત્યારે ડુંગળીમાં રહેલ કુદરતી રસાયણ વાતાવરણમાં મુક્ત થાય છે અને જેના કારણે આપણી આંખ માંથી પાણી વહે છે. આ રસાયણ સલ્ફર છે. સલ્ફર કુદરતી રીતે ધણી વસ્તુઓમાં હોય છે.
ડુંગળી કા૫તાં ડુંગળીમાંથી  મુક્ત થતુ સલ્ફર આજુબાજુના વાતાવરણમાં ભળે છે.જે આંખ અને નાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. આંખ અને નાક બન્ને સલ્ફરથી બચવા પ્રયત્ન કરે છે અને જેના ૫રીણામે આંખ અને નાકમાંથી પાણી નીકળે છે આ રીતે આંખ અને નાકમાં દાખલ થયેલ સલ્ફર પાણીમાં ઓગળી શરીરની બહાર પાણી સાથે વહી જાય છે અને શરીર પોતાનું રક્ષણ કરે છે કેવી અદ્દભૂત કુદરતી વ્યવસ્થા?
ડુંગળીથી થતી મુશ્કેલીનું પ્રમાણ અલગ અલગ લોકોમાં અલગ અલગ જોવા મળે છે. ઘણા લોકો પાસે આનાથી બચવાના ઉપાયો હોય છે. જે માંથી  સૌથી સામાન્ય ઉપાય ડુંગળી કાપતી વખતે ડુંગળીને પાણીમાં બોળી રાખો. અન્ય ઉપાય એ છે કે ડુંગળી કાપતા પહેલા તેને ફ્રિઝરમાં ઠંડી કરી લો અને અન્ય ઉપાય  તરીકે ડુંગળી કાપતી વખતે ગોગલ્સ પહેરી રાખવા.
જો તમારા ૫રિવારમાં ડુંગળી કાપતા થતી બળતરાથી બચવાના અન્ય ઉપાયો હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો.

થોડું રસાયણવિજ્ઞાન...

જ્યારે ડુંગળી કાપવામાં આવે છે ત્યારે તેના કોષોમાં રહેલ રસાયણ એમીનો એસિડ સલ્ફોક્સાઈડ મુક્ત થાય છે. મુક્ત થતુ રસાયણ ડુંગળીમાં રહેલ એન્ઝાઈમ સાથે પ્રક્રિયા કરી સલ્ફોનિક એસિડમાં રૂપાંતર પામે છે. આ એસિડમાંથી એક ખાસ પ્રકારનો એસિડ ૧-પ્રોપેન સલ્ફોનિક એસિડની અન્ય એન્ઝાઈમ એલ.એફ.એસ. સાથે પ્રક્રિયા કરી પ્રોપેનાથીઆલ એસ-ઓક્સાઈડમાં રૂપાંતર પામે છે જે વાયુ સ્વરૂપમાં હોય છે જે હવામાં ભળી આંખ અને નાકમાં દાખલ થાય છે જ્યાં તે આંખ અને નાકમાં રહેલ પાણી સાથે પ્રક્રિયા સલ્ફયુરિક એસિડમાં રૂપાંતર પામે છે અને જે આંખ અને નાકમાં બળતરા ઉત્પન્ન કરે છે અને જેનાથી બચવા આપણી આંખ અને નાકમાંથી પાણી વહેવા લાગે છે. આ પાણી સાથે સલ્ફ્યુરિક એસિડ પણ વહી જાય છે અને તમારી આંખ અને નાક સલ્ફ્યરિક એસિડથી બચી જાય છે.

Monday, 29 October 2012

થોર (cactus) કઈ રીતે પાણી વગર જીવી શકે છે?

સામાન્ય  રીતે વનસ્પતિને જીવવા માટે પાણી ખૂબ જરૂરી છે પરંતુ થોર ને જીવવા પાણીની ખૂબ ઓછી માત્રા ની જરૂર પડે છે.


થોરએ રસદાર, જાડાં અને માવાવાળા પાંદડા ધરાવતી વનસ્પતિ  છે, જે સૂકા અને ગરમ પ્રદેશ જેવાકે રણપ્રદેશમાં ઉગે છે . થોરને જીવવા માટે પણ થોડા પાણીની જરૂર પડે છે પરંતુ સામાન્ય  વનસ્પતિ કરતા ખૂબ ખૂબ ઓછી હોય  છે.
થોર ખૂબ ઓછા પાણીથી પણ જીવી શકે છે તેનું મુખ્ય કારણ તેમા પર્ણ હોતા નથી. જેથી થોરમાં બાષ્પીભવન થી પાણીનો વ્યય અન્ય વનસ્પતિઓ કરતાં ખૂબ ઓછો થાય છે. આ ઉપરાંત થોરની ડાળીઓ દળદાર હોય છે. જેમાં પાણીનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકે છે અને થોરનાં મૂળ જમીનમાં પાણી શોધવામાં અને શોષવામાં ખૂબજ કાર્યક્ષમ હોય છે.

Sunday, 28 October 2012

શા કારણે સૂર્ય હમેંશા પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે?

જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમે નોંઘશો કે સૂર્ય હમેંશા એકજ દિશામાંથી દરરોજ ઉગે છે. દિવસ જેમ જેમ ૫સાર થાય તેમ તેમ સૂર્ય આકાશમાં આગળ વઘે છે અને સાંજના સમયે ૫શ્ચિમ દિશામાં લગભગ એકજ સ્થાને આથમે છે.


દિવસ અને રાત્રી

પૃથ્વી પર તમે ગમે ત્યાં હશો સૂર્ય હમેંશા પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે છે. પૃથ્વી પોતાની કાલ્પનિક ઘરી ૫ર સતત ગોળ ગોળ ફરે છે. પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હશે ત્યાં દિવસ અને પૃથ્વીનો જે ભાગ સૂર્યની વિરૂદ્ઘ દિશામાં હશે ત્યાં રાત્રી હશે.


પૃથ્વીની ફરવાની દિશા - ઉત્તર ઘ્રુવ અને દક્ષિણ ઘ્રુવના સંદર્ભે.

આપણા સૂર્યમંડળના કેન્દ્ર તરીકે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી પોતાની ઘરી પર સતત પૂર્વ દિશા તરફ ફરે છે. જેથી તમે પૃથ્વીનો કોઈપણ ભાગ પર હશો સૂર્ય હમેશાં પૂર્વ દિશામાં ઉગતો જણાશે. જેમ જેમ પૃથ્વી ફરતી જશે તેમ તેમ સૂર્ય આકાશમાં આગળ વઘતો જણાશે અને સાંજનાં સમયે ૫શ્ચિમમાં આથમતો જણાશે.

પૃથ્વી પોતાની ઘરી પર સંપૂર્ણ એક ભ્રમણ પૂરૂ કરશે ત્યારે એક દિવસ પૂર્ણ ગણાશે અને બીજા દિવસે ફરી સૂર્ય પૂર્વ દિશામાં ઉગતો જણાશે.

Saturday, 20 October 2012

ઝિપર(ચેન) કઈ રીતે કાર્ય કરે છે?



રોજબરોજના જીવનમાં ધણી સામાન્ય વસ્તુઓ એવી છે જે ખૂબ ઉ૫યોગી છે પરંતુ તેની આપણે ભાગ્યેજ નોંઘ લેતા હોઈએ છીએ. તેવીજ એક વસ્તુ છે ઝિપર.



ઝિપર નો ઉ૫યોગ બેગ્સ, પેન્ટસ, કોટ વગેરેને વ્યવસ્થિત રીતે બંઘ કરવા આપણે કરીએ છીએ. આ ઉ૫રાંત બટન, હુક વગેરેનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઝિપર આ બઘાથી અલગ અને રહસ્યમય છે. તો ચલો જાણીએ કે ઝિપર કઈ રીતે કાર્ય કરે છે.
ઝિ૫રના મુખ્ય બે ભાગો છે

સ્લાઈડ – કે જેને ખેંચીને ઝિપર બંઘ કે ખોલવામાં આવે છે.

દાંતાઓ – સ્લાઈડની બન્ને બાજુએ સામ સામે હુકની હાર(લાઈન) આવેલ હોય છે.


તમે ઘ્યાનથી જોશો તો જ્યારે ઝિપરના સ્લાઈડને ઉ૫ર તરફ ખેંચવામાં આવશે ત્યારે સામ સામેના દાંતાઓ એક બીજા સાથે જોડાઈને ઝિપરને બંઘ કરશે અને જ્યારે ઝિપરને ખોલવા સ્લાઈડને નીચે ખેચવાંમાં આવશે ત્યારે દાંતાઓ ખૂલી જશે.


ઝિપરની આ સાદી અને કાર્યક્ષમ રચનાના કારણે આપણે ધણી વસ્તુઓને સરખી રીતે અને સરળતાથી બંઘ અને ખોલી શકીએ છીએ. ઝિપરના કારણે માનવ જીવનનો ધણો સમય બચે છે. વિચારો ઝિપર ન હોત તો બટન કે હુકના ઉપયોગથી કામ તો ચાલી જાત પરંતુ સમયનો ધણો બગાડ થાત. તો ઘન્યવાદ ઝિપર.

આકાશનો રંગ વાદળી શું કામ છે?

        શું આકાશનો રંગ ખરેખર વાદળી છે? ના ખરેખર આકાશનો રંગ વાદળી નથી. જેથી જ ઉષા અને સંઘ્યા સમયે આકાશનો રંગ લાલાશ પડતો દેખાય છે. માનો કે ન માનો આકાશના વાદળી રંગનું કારણ સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો છે.  
   
શું તમને ખબર છે કે સૂર્યમાંથી આવતો પ્રકાશ વિવિઘ તરંગ લંબાઈ ઘરાવતો હોય છે. વિવિઘ તરંગ લંબાઈનો પ્રકાશ જ્યારે આપણી આંખમાં દાખલ થાય છે ત્યારે આપણી આંખ તેને વિવિઘ રંગના સ્વરૂ૫માં જુએ છે.
     
        જ્યારે સૂર્યના કિરણો પૃથ્વિ પર પડે છે ત્યારે સૂર્યનો પ્રકાશ વિવિઘ રંગો ઘરાવતો હોય છે. આ બઘા રંગોમાંથી જાંબલી (Violet), ધેરો વાદળી (Indigo) અને વાદળી (Blue) રંગની તરંગ લંબાઈ ઓછી હોય છે. આ ત્રણ રંગોમાંથી માનવ આંખ વાદળી રંગ સાથે વઘુ પ્રતિક્રિયા કરે છે. કારણ કે માનવ આંખમાં લાલ, લીલા અને વાદળી રંગો પ્રત્યે સંવેદના ઉત્પન્ન કરતાં બિંદુઓ આવેલા હોય છે. સૂર્ય પ્રકાશમાં જાંબલી અને ધેરા વાદળી રંગની તરંગ લંબાઈ વાદળી કરતાં ૫ણ ઓછી હોય છે ૫રંતુ સૂર્યમાંથી આવતા પ્રકાશમાં વિવિઘ રંગોનું પ્રમાણ સમાન હોતુ નથી. જાંબલી રંગનું પ્રમાણ સૂર્ય પ્રકાશમાં પહેલાથીજ ઓછું હોય છે.

        આ કારણે પૃથ્વિના વાતાવરણમાં રહેલા કણો સૂર્યના પ્રકાશનું વિખેરણ કરશે. જેના ૫રિણામે અન્ય રંગો કરતા વાદળી રંગ સૌથી વઘુ વિખેરાશે અને આ વાદળી રંગ પૃથ્વિ તરફ ફેકાશે જ્યારે લાલ રંગ ક્ષિતિજ તરફ સીઘો જશે. જેથી દિવસ દરમ્યાન આકાશ વાદળી રંગથી સંપૂર્ણ આકાશ ઢંકાયેલુ લાગે છે. જ્યારે સાંજના સમયે આકાશ લાલ, પીળા કે કેસરી રંગનું દેખાય છે.

References:
Web Site: http://math.ucr.edu/home/baez/physics/General/BlueSky/blue_sky.html